Wednesday, 1 August 2012

ભાષા ને શું વળગે ભૂર.....


"પપ્પા આજે સુ કામ લેટ આવીયા?” ઓફીસ થી આવતા ઘર માં પગ મુકતા ની સાથે દીકરી એ મને પ્રશ્ન કર્યો.

એવું તે શું અગત્ય નું કામ આવી પડ્યું કે આમ કાગડોળે મારી વાટ જોવાઈ રહી છે?” મેં જુતા ઉતારતા પૂછ્યું. 

નેક્સ્ટ મંથ ઈંગ્લીશ લેંગ્વેજ ની એક્ઝામ છે,તેનું એક ચેપ્ટર ઘણું હાર્ડ છે.તમારી હેલ્પ જોવે છે.

આ તું અંગ્રેજી માં બોલી કે ગુજરાતી માં?” મેં પૂછ્યું.

ગુજરાતી માં

પણ તેમાં ગુજરાતી કરતા અંગ્રેજી શબ્દો વધારે હતા! તને અંગ્રેજી કરતા ગુજરાતી માટે મદદ ની વધારે જરૂર છે

“બટ પપ્પા,ગુજરાતી માં બહુ હાર્ડ વર્ડ્સ હોય છે.

ખોટા બહાના નહિ કાઢ,આ ઘર માં આવી ખીચડી ભાષા નહિ ચાલે

તેનો કઈ વાંક નથી.સામાન્ય બોલચાલ ની ભાષા માં શુદ્ધ ગુજરાતી હવે કોણ બોલે છે? તે ઉપરાંત અંગ્રેજી શીખવું હવે બહુ જરૂરી છે” વાઈફ રસોડા માં થી બહાર આવતા બોલી.

અંગ્રેજી ભલે શીખે.તે સાથે બીજી ભાષાઓ પણ શીખે,પરંતુ માતૃભાષા તો આવડવી જ જોઈએ

તમે ગુજરાતી બચાવો આંદોલન માં જોડાયા છો? વાઈફે શંકાશીલ નજરે જોતા પૂછ્યું.

એવું કોઈ આંદોલન ચાલી રહ્યું છે તેની મને જાણ નથી.હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે કોઈ પણ ભાષા બોલીયે તે ભેળસેળ વગર ની હોવી જોઈએ.હવેથી આવું ભયંકર ગુજરાતી મારા ઘર માં નહિ ચાલે.” મેં ભારપૂર્વક કહ્યું. 

બીજા દિવસે વાઈફે દીકરી ને ગુજરાતી શીખવવા માટે એક શિક્ષક ની નિયુક્તિ કરી દીધી. દીકરી નું ગુજરાતી ઝડપ ભેર સુધરવા માંડ્યું અને મને માતૃભાષા માટે કઈક કરી છૂટવા બદલ સંતોષ થયો.

એક દિવસ હું ઓફીસ થી ઘેર આવ્યો ત્યારે દીકરી એ બારણું ઉઘાડ્યું. બાપુજી, મને તમારી મદદ ની જરૂર છે

બાપુજી! મને આઘાત લાગ્યો.

બાપુજી, કોમ્પ્યુટર ને કેલ્ક્યુલેટર જેવું નાનું નામ ન આપી શકાય?

પણ કોમ્પ્યુટર તો કેલ્ક્યુલેટર કરતા પણ નાનું નામ છે!

ના.ગુજરાતી માં કેલ્ક્યુલેટર ને ગણક યંત્ર કહેવાય અને કોમ્પ્યુટર ને વિવિધ વ્યાપારો નું નિયંત્રણ કરનારું સ્વયં ચલિત વીજાણવીય ઉપકરણ કહેવાય

તું તેને કોમ્પ્યુટર જ કહેશે તો વાંધો નથી હું ગૂંચવાઈ ને બોલ્યો.

ના, ના.ભાષા માં શુધ્ધતા હોવી જ જોઈએ. આપણા ઘર માં ખીચડી ભાષા નહિ ચાલે વાઈફ મારા ચાળા પાડતી બોલી.

અને બાપુજી, રાજકોટ થી તમારા મિત્ર નો દૂરવાણી સંદેશ આવ્યો હતો

દૂરવાણી સંદેશ ! મારા આશ્ચર્ય નો પાર ન રહ્યો.

ટેલીફોન.જ્યાર થી ગુજરાતી ભણવા નું શરુ કર્યું છે ત્યાર થી આવું વિચિત્ર બોલે છે વાઈફે જાણકારી આપી.

પરમદિવસે મળસ્કે આગગાડી થી કલકત્તા પહોચી રહ્યા છે દીકરી એ જણાવ્યું.

હેં?

હાવડા આગગાડી વિરામ સ્થળે તમારી વાટ જોશે તેમ જણાવ્યું છે

મેં વાઈફ સામે જોઈ પૂછ્યું આ હવે આવું બોલે છે?

હા, તેના ટીચર.....ના....શિક્ષક ભાષા શુદ્ધિ ના અતિ આગ્રહી છે

બાપુજી,મારા શિક્ષક કહે છે કે પરભાષા ને પરાધીન ન થવું જોઈએ. મારા પર વાગ્દેવીની કૃપા છે. હું શીઘ્ર માતૃભાષા પર પ્રભુત્વ જમાવી શકીશ.

પરભાષા,પરાધીન,વાગ્દેવી,પ્રભુત્વ! મારું માથું  ભમી રહ્યું હતું.

મારા અધ્યાપક કહે છે કે આપણી માતૃભાષા અતિ સમૃદ્ધ છે.તેમાં અપાર શબ્દવૈપુલ્ય છે. તેને યોગ્ય રીતે શણગારી ને જ ઉચ્ચારવી જોઈએ.

અહિયા વક્તૃત્વ ની ભરતી આવી લાગે છે હું બબડ્યો.


હવે તમે મારી બોલી ની ટીકા નહિ કરી શકો.મારા વિદ્યાગુરુ કહે છે કે ભાષા નિર્બળ નથી હોતી,ભાષક નિર્બળ હોય છે.


વિદ્યાગુરુ! આ શબ્દ મારા માટે પણ નવો હતો.

હું વાઈફ ને એક તરફ લઇ જઇ ધીમેથી બોલ્યો

આ આટલી હદે શુદ્ધ ગુજરાતી બોલે તેવો મારો આશય ન હતો.હું ફક્ત એટલું ઈચ્છતો હતો કે તે સચોટ ગુજરાતી બોલે.

હું પણ ત્રાંસી ગઈ છું.કાલે બપોરે હું આરામ કરી રહી હતી ત્યારે તે રસોડા માં થી આવી ને બોલી "બા, કોઠી માં થી રાંધણ-વાયુ ચૂવે છે".પાંચ મીનીટ બાદ સમજાયું કે સીલીન્ડર માંથી ગેસ લીક થઇ રહ્યો છે.સમજવા માં વધુ મોડું થયું હોત તો કેટલી મોટી દુર્ઘટના ઘટી જાત તેનો અંદાજ છે? હદ તો એ થઇ છે કે તે હવે ગુજરાતી સિવાય બીજી કોઈ ભાષા શીખવા નથી માંગતી.આવતા અઠવાડિયે તેની અંગ્રેઝી અને હિન્દી ની પરીક્ષા છે.આમજ ચાલશે તો તે ફેઈલ...ના...નાપાસ થશે. આ ઉપાધી ને તમે જ આમંત્રણ આપ્યું છે હવે તમે જ એને સમજાવો” વાઈફે ઉભરો ઠાલવ્યો.

હું દીકરી પાસે જઇ બોલ્યો વાહ,તારા આ ગુજરાતી અધ્યાપક બહુ મોટા ભાષા પંડિત નીકળ્યા! આટલા અલ્પ સમય માં તને સુંદર ગુજરાતી શીખવાડી દીધું

તેઓ બહુ મોટા વિદ્વાન છે.તેઓ કહે છે જેના આચાર થી વિદ્યાર્થીઓને ખરું શિક્ષણ મળે તે જ ખરો આચાર્ય છે.

ખરો આચાર્ય છે! જો, તારા માતૃભાષા પર પ્રભુત્વ જમાવવાના અભિનંદનાત્મક પ્રયાસની હું ખરા હૃદય થી કદર કરું છું,પરંતુ બીજી ભાષાઓ ની અવગણના થાય તે ઉચિત નથી.

પરંતુ બાપુજી,ગુજરાતી ભાષા જેવું ઉચ્ચતમ સાહિત્ય બીજી કોઈ ભાષા ધરાવતી નથી.

આ તો કુવા માં ના દેડકા જેવી વાત થઇ.બીજી ભાષાઓ પાસે પણ અતિ સમૃદ્ધ સાહિત્ય છે. શેક્સપિયર ને વાંચવા નો ખરો આનંદ અંગ્રેજી માં જ છે. મૂળ ભાષાંતર ને વફાદાર હોતું નથી.

પણ બાપુજી.....

તું અબઘડી અંગ્રેજી અને હિન્દી ભણવા બેસે છે કે નહિ?” વાઈફ નો પારો સાતમાં આસમાને ચડેલો હતો.

પણ......બા..

હમણાં જ..... આ જ મીનીટે....વાઈફે ત્રાડ પડી.

હા મમ્મી,પહેલા ઈંગ્લીશ લર્ન કરું કે હિન્દી લેંગ્વેજ?

પ્રથમ વાર દીકરીના મોઢે ખીચડી ભાષા સાંભળી ને આનંદ ની લાગણી થઇ અને હું રાહત અનુભવતા ધીમે થી બબડ્યો.

ભાષા ને શું વળગે ભૂર, રણ માં જે જીતે તે શૂર.


By: Jasmin Rupani

Previous Post : નિરાંતની વાત                                                              Protected by Copyscape Original Content Checker

No comments:

Post a Comment