Monday 13 August 2012

ચિલિકા લેક : પક્ષીઓનો કુંભમેળો ( ભાગ ૨)


પહેલો ભાગ વાંચવા અહી ક્લિક કરો (પ્રથમ ભાગ)

બીજે દિવસે વહેલી સવારે અમે નલબન આઈલેન્ડ જવા તૈયાર થયા. આકાશ સ્વચ્છ હતું અને સૂર્યોદય થવાની તૈયારી હતી. ગઈકાલે સુર્યાસ્ત સમયે આકાશ રક્તિમ થઇ ઉઠ્યું હતું, અત્યારે સૂર્યોદય સમયે તે સોનેરી રંગ ધારણ કરી રહ્યું હતું. સૂર્યોદય થયો ત્યારે અમે હોડીમાં બેસી રહ્યા હતા.

પ્રથમસૂર્યની સોનેરી કોર ક્ષિતિજમાં ડોકાઈ, અને સમય જતા સૂર્ય ના બે ગોળા નજર સમક્ષ દ્રષ્ટિમાન થયા  એક ક્ષિતિજ ની ઉપર અને બીજો તેની નીચે. હળવેક થી  બંને ગોળાઓ વચ્ચે અંતર વધવા માંડ્યું. પાણીમાં પ્રતીબીમ્બીત થઇ રહેલો ગોળો લંબાવા માંડ્યો  અને આખરે વિખરાઈ ને પાણીની સપાટી પર સોનેરી રજકણ બની છવાઈ ગયો. દૂર એક નૌકા સૂર્યને અડકતી પસાર થઇ રહી હાય તેવો ભાસ થયો. દિવસની શરૂઆત અભૂતપૂર્વ થઇ. 

૧૯૮૭ માં ચીલીકાને પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. શિયાળામાં અહી વિવિધ પંખીઓની વણજાર આવે છે અને દુર્લભ પ્રજાતીના અનેક પક્ષીઓ જોવા મળે છે. આ સમયે અહી દસ લાખથી વધુ પક્ષીઓની હાજરી હોય છે અને તેમાં નલબન આઈલેન્ડ તો પક્ષીઓનું  નગર કહેવાય છે. 

ચિલિકા સરોવરમાં ઘણા ટાપુઓ છે પરંતુ નલબન તેની અનોખી વિશિષ્ટતા ને કારણે પક્ષીઓને આકર્ષે છે. તે નરમ અને સખત બંને પ્રકારની માટીનો બનેલો છે. ટાપુની આસપાસના વિસ્તારનું પાણી કાદવીયું અને છીછરું છે. અહી પાણીની અંદર તળિયામાં એક વિશિષ્ટ પ્રકારનું ઘાસ ઉગે છે. ઘાસનો ઉપલો ભાગ પાણીની બહાર નીકળેલો હોય છે. આ ઘાસ ને નલ કહે છે અને તેના પરથી ટાપુનું નામ નલબન પડ્યું છે.

આ ઘાસ નાના જળચરો નું ઘર છે,  જેમને આરોગવા મોટી માછલીઓ આવે, અને તે માછલીઓ પક્ષીઓનો ખોરાક બને. આમ કુદરતી ફૂડ ચેઈન બને છે. તે ઉપરાંત ટાપુની જમીન પર પણ આ જ ઘાસ ઉગે છે. તેમાં પંખીઓ પોતાનો માળો બનાવીને ઈંડા મુકે છે. આ બે કારણોસર નલબન ટાપુ પક્ષીઓનું મનગમતું રહેઠાણ બન્યો છે

નલબન સાનોકુડા ટાપુથી સત્યાવીસ કી.મી. દૂર આવેલું છે. અઢી કલાક ના જળપ્રવાસ દરમ્યાન અનેક પક્ષીઓ દેખાયા. પક્ષીઓ ના ઝુંડ માછીમારો ની હોડી ઉપર ખોરાક મળવાની આશા એ ચકરાવો મારી રહ્યા હતા. ઘણી જગ્યા એ પાણીની સપાટી પર સીધી પંક્તિમાં બેસેલા પંખીઓને જોઈ આશ્ચર્ય થયું. આ પક્ષીઓ પાણીમાં બતક ની જેમ તરતા હતા. પાછા ઉડે પણ એક પછી એક સીધી પંક્તિ માં. નાના ચકલી જેવા કાળા રંગના પંખીઓ બે-ચાર વખત પાંખ ફફડાવે અને ત્યાર બાદ જાણે હવામાં તરતા હોય તેમ પાંખ સ્થિર રાખી ઉડતા રહે. અમારી હોડી તેમની પાસે પહોચતા બધા પંખીઓ ઉડ્યા અને પળભર માટે સમગ્ર આકાશ નાના બિંદુઓથી છવાઈ ગયું. 

ચિલિકા સરોવર બંગાળના ઉપસાગર સાથે જોડાયેલું હોવાથી તેની વિશિષ્ઠતા એ છે કે તે મીઠું અને ખારું બંને પ્રકાર નું બ્રેકીશ પાણી ધરાવે છે. આ વિશિષ્ઠતા ને કારણે મીઠા અને ખારા એમ બંને પ્રકારના પાણીના જળચરો,  જે સામાન્ય સંજોગોમાં કદી સાથે જોવા ન મળે, તે  અહી જોવા મળે છે. આ કારણસર અહી જળચરો નું વિપુલ વૈવિધ્ય છે. 

નલબન પાસે પાણી છીછરું અને કાદવિયું હતું. પાણીની અંદર ઉગેલું નલ-ઘાસ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. ઘણા સ્થાને ઘાસ પાણીની બહાર ડોકિયા કાઢી રહ્યું હતું. ટાપુની નજદીક પહોચતા બોટનું મશીન બંધ કરી તેને વાંસ દ્વારા હલેસા મારી હંકારવી પડી.

નલબન ટાપુ પર અને તેની આસપાસના જળમાં કઈ પણ ફેકવાની સખત મનાઈ છે. આ વિસ્તાર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ની હેઠળ છે. 

નલબન પર પગ મુક્તા થોડી નિરાશા થઇ. અમારી ધારણા કરતા પંખીઓ ઓછા હતા. ચીલીકાના બીજા ટાપુઓ કરતા તદ્દન ભિન્ન આ ટાપુ સપાટ છે અને ભીની તથા સુક્કી માટીનો બનેલો છે. અહી પક્ષીઓ નિહાળવા હેતુસર  એક ટાવર બનાવવામાં આવ્યો છે. તેને બાદ દેતા સપાટ ટાપુ પર બીજું કઈ નહિ. ટાવર પરથી પક્ષીઓને જોવા માટે શક્તિશાળી દૂરબીન જોઈય્રે, જે અમારી પાસે ન હતું માટે અમે પંખીઓની સમીપ જઈ તેમને નિહાળવાનો નિર્ણય લીધો.  

પક્ષીઓ અલગ અલગ જૂથ માં બેઠા હોય અને તેમની નજદીક જતા ઉડી જાય. અમે ઉત્સાહ માં આવી પંખીઓ નો પીછો કરતા ઘણે આગળ નીકળી ગયા અને ટાપુની નરમ માટી માં ફસાઈ ગયા. નરમ, ચીકણી અને કાળી માટીમાં પગ ઊંડા ઉતરતા જાય અને જોર કરતા પગ બહાર આવી જાય પણ જૂતા અંદર રહી જાય! જેમ તેમ કરીને એક પગ બહાર કાઢીએ ત્યાં બીજો પગ વધુ ઊંડો ઉતરતો જાય! મહામુશીબતે અમે તે ચીકણી માટીની પકડ માંથી છૂટ્યા. કાળી માટી થી ખરડાયેલા અમે બોટમાં બેઠા ત્યારે મનમાં મિશ્ર લાગણીઓ ઉત્પન્ન થઈ. પક્ષીઓની પાંખી હાજરીને કારણે મનમાં વિષાદ હતો અને જેટલું જોયું અને માણ્યું તેનો આનંદ પણ હતો. 

નલબન થી પાછા ફરતી વખતે રસ્તા માં કાલીજાઈ ટાપુ આવતો હતો, તેની મુલાકાત લીધી. અહી કાલીજાઈ દેવી નું મંદિર છે. ચિલિકા લેક ના માછીમારો અને માંઝી કાલીજાઈ પર અપૂર્વ શ્રદ્ધા ધરાવે છે. કાલીજાઈ ટાપુ પાસેથી પસાર થતા તેમના હાથ નમસ્કાર રૂપે અચૂક જોડાઈ જાય. કાલીજાઈ વિષે અહીના લોકો માં એક લોકવાયકા છે. કહેવાય છે કે રાજા ભાગીરથી માનસિંગ ના રાજ્યકાળ દરમ્યાન એક સમયે ખુર્દા ના રાજાએ તેની વિરુદ્ધ યુદ્ધ ઘોષિત કર્યું હતું. ભાગીરથી માનસિંગ પાસે ખુર્દા ના રાજા જેટલું વિરાટ સૈન્ય ન હતું એટલે તેણે નિશ્ચિત પરાજય થી બચવા કાલીમાતા ને પ્રાર્થના કરી. 

બન્યું એવું કે, યુદ્ધ ના આરંભ પહેલા ખોરાકની આશામાં મોટી સંખ્યામાં સુરખાબો આવી પહોચ્યા. લાંબા અને ભવ્ય એવા સુરખાબોને દૂરથી જોતા ખુર્દાનો રાજા તેમને માનસિંગ નું લશ્કર સમજ્યો. તેને લાગ્યું કે આટલા વિરાટ સૈન્ય સામે જીતવું શક્ય નથી, માટે તે હતાશ થઇ પાછો ફરી ગયો. ભાગીરથી માનસિંગ નિશ્ચિત પરાજય થી બચી ગયો. તેના સમગ્ર રાજ્ય માં આ ઘટના અભૂતપૂર્વ  ગણાઇ અને કાલીજાઈ ના ચમત્કાર રૂપે પ્રચલિત થઇ. ત્યારથી અહી કાલીજાઈ ની પૂજા થાય છે.

પાછા ફરતી વખતે ફરી સીધી રેખામાં તરતા પેલા પક્ષીઓ જોયા.અમારી નૌકા તેમની નજીક પહોચતા તે રેખાના મધ્ય ભાગ માંથી એક પક્ષી ડાબી તરફ અને તેની પાસે બેસેલું બીજું પક્ષી જમણી તરફ ઉડ્યું અને તેની પાછળ એક પછી એક પક્ષીઓ કતારબદ્ધ ઉડવા માંડ્યા. અમારી હોડી સામે  કોઈ ગઢ નો દરવાજો  ઉઘડતો હોય તેવું મનોહર દ્રશ્ય સર્જાઈ ગયું. 

ટાપુથી બે કી.મી. દૂર અમારી યંત્ર સંચાલિત હોડીનું બળતણ ખૂટી ગયું. જમીન પર અધરસ્તે વાહન નું ઇંધણ ખૂટી જાય તો ધક્કો મારીને અથવા ક્યાંકથી બળતણ લાવીને તેને આગળ ધપાવાય, પરંતુ અહી પાણીની મધ્યે શું કરી શકાય. સદભાગ્યે પાસેથી એક બીજી બોટ પસાર થઇ રહી હતી, તેને થોભાવી તેની સાથે દોરડા વડે બંધાઈ અમારી હોડી કિનારે પહોચી. 

સાંજે બ્રેકફાસ્ટ આઈલેન્ડ અને તેની આસપાસ ફરવા જવાનો કાર્યક્રમ હતો, પરંતુ રંભા થી બળતણ આવતા મોડું થયું અને અંધારું થતા ફરવા ન જઈ શકાયું.  બ્રેકફાસ્ટ આઈલેન્ડ માં કાલીકોટે ના રાજા ના બંગલાના ભગ્નાવેષ  છે. આ ટાપુ પર દુર્લભ ગણાતા ઝાડ-પાન ઉગે છે.

અમે કિનારે બેઠા સુર્યાસ્ત થવાની રાહ જોઈ રહ્યા હતા. પડછાયા લાંબા થઇ રહ્યા હતાવાતાવરણ ખુશનુમા હતું. ચોતરફ ટેકરીઓથી ઘેરાયેલું ચિલિકા, વાદળ અને સૂર્યની સ્થિતિ પ્રમાણે રંગ બદલી રહ્યું હતું. દુર્ભાગ્યે ગઈ સાંજ ની પરિસ્થિતિ નું પુનરાવર્તન થયુંઆજે પણ સુર્યાસ્ત ન જોઈ શક્યા. 

રાત્રે પ્રદુષણ અને પ્રકાશ રહિત વાતાવરણ ને કારણે આકાશ કાળું ડીબાંગ અને સ્વચ્છ દીસી રહ્યું  હતું. તેમાં શ્યામ રંગી ચૂંદડીમાં ચમક્તા આભલા ની જેમ ઉજ્જવળ તારલા પ્રકાશી રહ્યા હતા. 
                           
                           ત્રીજો ભાગ વાંચવા અહી ક્લિક કરો (ત્રીતીય ભાગ) 

By: Jasmin Rupani


                        Protected by Copyscape Original Content Checker 

No comments:

Post a Comment