Friday, 10 August 2012

ચિલિકા લેક - પ્રકૃતિ અને પક્ષી પ્રેમીઓનું સ્વર્ગ - (ભાગ ૧)રિસ્સા નું નામ પડે એટલે પૂરી નો રળિયામણો દરિયા કિનારો. કોણાર્ક મંદિર અને ચિલિકા લેક સાંભરી આવે. 

ચિલિકા લેક ઓરિસ્સા ના સમુદ્રી જીલ્લા પૂરી ના હાર્દ માં આવેલું છે,અને તે એક તરફ મહાનદી અને બીજી તરફ બંગાળ ઉપસાગર થી જોડાયેલું છે. દેશ નું સહુથી મોટું અને દુનિયા ભર માં બીજા સ્થાને આવતું ખારા પાણી નું સરોવર ચિલિકા, જેને સરોવર કહેતા સંકોચ થાય, તે અધધધ થઇ જવાય તેટલો અગિયાર સો ચોરસ કિલોમીટરનો વિરાટ ફેલાવો ધરાવે છે.લગભગ પાંસઠ કી.મી. લાંબુ આ સરોવર જળચરોનું વિપુલ વૈવિધ્ય ધરાવે છે અને શિયાળામાં એક સો સાઈઠ જાતના, અંદાજે દસ લાખ વિદેશી પક્ષીઓનું અસ્થાયી ઘર બને છે. તેમાં ના ઘણા પક્ષીઓ વિવિધ પ્રદેશ થી લગભગ બાર હજાર કી.મી. ની મુસાફરી કરી ચિલિકા પહોચે છે. શિયાળા ના બે મહિના માટે ચિલિકા લેક આ રંગબેરંગી પક્ષીઓ માટે ભારતીય ઉપખંડ નો સહુથી મોટો વિન્ટર રિસોર્ટ બની જાય છે. 

ચિલિકા સરોવર કુદરતી સૌન્દર્ય ના ચાહકો ને અભિભૂત કરી દેવા માટે સપૂર્ણ પણે સક્ષમ છે.સુર્યાસ્ત સમયે કેસરિયા રંગે રંગાયેલું આકાશ, મન ને પુલકિત કરી દે તેવી ચોતરફ છવાયેલી લીલોતરી, કલરવ કરતા ગગન માં મુક્ત વિહરતા રંગબેરંગી પંખીઓ, કાંઠા ના છીછરા પાણી માં દેખા દેતા વિવિધ જળચરો, સરોવર માં તરતી માછીમારોની છુટ્ટી છવાઈ નૌકાઓ..... આ દ્રશ્યો અદભૂત હોય છે. વહેલી સવારે સૂર્યોદયનું દ્રશ્ય આંખોને ઉલ્લાસથી તરબતર કરી મુકે છે.

વર્ષો થી ચિલિકા સરોવર પર્કૃતિ અને પક્ષી પ્રેમીઓની સાથે જીવવિજ્ઞાનીઓ, ભૂસ્તરશાસ્ત્રીઓ, સમુદ્રવિજ્ઞાનીઓને આકર્ષતું રહ્યું છે. પ્રકૃતિના ઉપહાર સમા આ સરોવરને સંરક્ષણ આપવાના હેતુ તેને અંતરરાષ્ટ્રીય મહત્વ ના અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે લગભગ બસો પચીસ જાતની માછલીઓ અને એક સો સાઈઠ જાત ના પંખીઓનું ઘર છે, જેમાં ઇરાવાડી ડોલ્ફિન અને સુરખાબ બહુજ મહત્વ નું સ્થાન પામે છે. ઉપરાંત અહી સાતસો વીસથી વધારે ઝાડપાન ની જાતો છે. રંગબેરંગી માછલીઓથી છલકાતું ચિલિકા સરોવર લગભગ દોઢ લાખ માછીમારોને નિભાવે છે.

ચિલિકા ની દક્ષીણ દિશામાં હરિયાળી ટેકરીઓ અને ઉત્તર-પૂર્વ દિશામાં બંગાળ નો ઉપસાગર આવેલો છે. આ વીશાળ સરોવર પર્યટકો માં બહુ પ્રચલિત છે પણ મોટા ભાગના પર્યટકો તેના લગભગ નિર્જન દક્ષીણ ભાગ થી અજાણ છે. પૂર્વીઘાટની ટેકરીઓથી ઘેરાયેલું દક્ષીણ ચિલિકા અનેક લીલાછમ ટાપુઓથી છવાયેલું છે. આમારી મંજીલ દક્ષીણ ચીલીકામાં આવેલ એક ટચુકડો દ્વીપ સાનોકુડા હતી. કિનારા થી સાત કી.મી. દૂર આવેલ આ ટાપુ પર્યટકો માં તદ્દન જાણીતો નથી.

કલકત્તાથી દક્ષીણ ચિલિકા જવા માટેનું સૌથી નજીક નું સ્ટેશન બાલુગાન છે. સવારે છ વાગ્યે અમે સ્ટેશન પર ઉતર્યા ત્યારે અંધારું હતું. અહી થી ત્રીસ કી.મી દૂર ગાડી દ્વારા રંભા નામના એક નાના ગમે પહોચવાનું હતું અને ત્યાં થી મોટર બોટ દ્વારા સાનોકુડા ટાપુ.

બાલુગાન થી રંભા જવાનો ઉંચો નીચો રસ્તો આપેક્ષા વિરુધ્ધ સારો નીકળ્યો. આ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું મથક આઈ.એન.એસ. ચિલિકા આવેલ છે, તે ઉપરાંત વાયુસેના અને મિસાઈલ ડીફેન્સ ના ઓછા જાણીતા પ્રોજેક્ટો પણ છે. કદાચ તે કારણસર રસ્તો સુંદર હતો. એક ઊંચા સ્થળે ગાડી થોભાવી ઉગતા સૂર્ય ના મૃદુ પ્રકાશ માં નહાયેલ ચિલિકા તળાવ ના દૂર થી દીદાર કર્યા અને આફરીન થઇ જવાયું.

રંભા ચિલિકા ના દક્ષીણ કિનારે આવેલું એક નાનું ગામ છે. ત્યાંથી અમે મોટર બોટ માં સવાર થઈ સાત કી.મી. દૂર આવેલા સાનોકુડા દ્વીપ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ આછા લીલા રંગ નું પાણી અને તેના પર છુટાછવાયા ટાપુઓ અને ટેકરીઓ. કિનારા પાસે પાણી છીછરું હતું, તેમાં એક તરફ ઉભા વાંસડા નાખી તેની વચ્ચે જાળ બાંધી અમુક વિસ્તાર ને ઘેરી રાખ્યો હતો. તેમાં ઝીંગા, જે અંગ્રેજી માં પ્રોન ફીશ કહેવાય છે, તેનો ઉછેર કરવા માં આવી રહ્યો હતો. આ પધ્ધતિ ને મત્સ્ય-ઉછેર એટલે કે ફીશ ફાર્મિંગ કહેવાય છે.


અડધા કલાક ની મુસાફરી બાદ અમે સાનોકુડા ટાપુ પર પહોચ્યા. અહી રહેવા માટે તંબુઓ બાંધ્યા હતા. ટાપુ પર ની આ જગ્યા સાગા એકવા એડવેન્ચર નામની કંપની એ સરકાર પાસેથી કરાર પર લીધેલી છે. કંપની નો મૂળ ધંધો મોટર બોટ નું માળખું બનાવવાનો છે. કંપની ના ચાર ડાયરેક્ટરોમાના એક સોમનાથ ચક્રવર્તીનો અપૂર્વ કુદરત પ્રેમ આ ટાપુ ના ઇકો કેમ્પ માટે જવાબદાર છે. પોણા ભાગ નું જીવન મર્ચન્ટ નેવી માં વિતાવનાર સોમનાથ ચક્રવર્તીએ નિવૃત થયા બાદ ત્રણ ભાગીદારો સાથે હોડી નું માળખું બનાવતી કંપની સ્થાપી. એકદિવસ અનાયાસે તેઓ સાનોકુડા ટાપુ પહોચ્યા અને મગજ માં અહી ઇકો લોજ સ્થાપવાનું બી રોપાયુ અને સાગા ઇકો કેમ્પ નો જન્મ થયો.

સાગા ઇકો કેમ્પ અંતરરાષ્ટ્રીય ઇકો ટૂરિસમ ક્લબ નું સભ્ય છે. અહી પર્યાવરણ જાળવવા માટેના બધાજ નિયમોનું કડકાઈપૂર્વક પાલન થાય છે. પશુ પક્ષીઓ ને કોઈ પણ જાત ની અગવડતા ન થાય તેનું ધ્યાન રાખવું, પ્લાસ્ટિક
ની બોતલ સહીત કોઈ પણ જાત ના કચરાનો નિર્ધારિત જગ્યાએ જ નિકાલ કરવો, વાયુ, ધ્વની અને જળ પ્રદુષણ ન થાય તેની પૂરી તકેદારી રાખવી, વગેરે નિયમો નું શિસ્તબધ્ધ રીતે પાલન કરવા માં આવે છે. માછલી પકડવા સિવાય બીજી કોઈ રીતે પ્રકૃતિ ને છંછેડવાની રજા નથી. રહેવા માટેની દોઢસો બાય સો મીટર ની જગ્યા બાદ દેતા આખો ટાપુ કુદરતી અવસ્થા મા રાખવામાં આવ્યો છે. એ જગ્યા રહેવા અનુરૂપ કરવા જતા જેટલી વનસ્પતિ નષ્ટ થઇ તેનાથી બમણી બીજી તરફ ઉગાડવામાં આવી છે. 

બોટ માંથી લાકડા ની જેટ્ટી પર પગ મુકતા ની સાથે અલગ પ્રકાર નો રોમાંચ અનુભવ્યો. લાલ અને વાદળી રંગ ના તંબુઓ, તેની ફરતે તેની ફરતે સોળે કળાએ ખીલેલી લીલોતરી અને ચારે દિશાઓ માં પાણી! ચારે તરફ કુદરતનાં કામણ !

તંબુ માં સામાન્ય સુવિધાઓની સાદી પરંતુ સુંદર સગવડ હતી. સાદો પલંગ, ચાદર,મચ્છરદાની અને બાથરૂમ સાથે પાણી ની પણ સગવડ હતી. તંબુની અંદર એક ખૂણા ને કપડાની દીવાલ દ્વારા અલગ કરીને તે ભાગ ને બાથરૂમ તરીકે ઉપયોગમાં લેવાયો હતો. ટાપુ પર એક જનરેટર હતું જે ફક્ત રાત્રે બે-ત્રણ કલાક માટે ઉપયોગ માં લેવામાં આવતું હતું.

વીજળી, ટેલીફોન, છાપા અને રેડીઓ વગર ની આ દુનિયા હતી એટલે બીજું કઈ કરવાનું ન હતું માટે તુરંત લગભગ એક કી.મી નો વિસ્તાર ધરાવતા આ બેટ પર લટાર મારવા નીકળ્યા. ટાપુના પાછલા ભાગમાં નાનું જંગલ હતું. તેની અંદર કેડીઓ પર ચાલતા, ક્યારેય ન નિહાળ્યા હોય તેવા જંગલી ઝાડપાન અને કેટલીક દુર્લભ વન્યસૃષ્ટી એ અમારું સ્વાગત કર્યું. કાજુ ના ઝાડ પણ હતા. કાજુ ઉગ્યા ન હતા પરંતુ તેના ઝીણા ફૂલોને સુંઘતા કાજુ જેવી જ સુગંધ આવી.


અહીના ટાપુઓ માં કાજુ વિપુલ પ્રમાણ માં ઉગે છે. અગાઉ એવું ન હતું. અહીના અભણ રહેવાસીઓ પોતાનું ગુજરાન ચલાવવા આડેધડ વૃક્ષો કાપીને વેચી આવતા. વન્યસૃષ્ટી ને નષ્ટ થતી રોકવા વનવિભાગે અહી કાજુના વૃક્ષો ઉગાડવાનું શરુ કર્યું અને તે માસ્ટર સ્ટ્રોક પુરવાર થયો. લાંબે ગાળે કાજુ વેચવાથી થતી કમાણી સંપૂર્ણ વૃક્ષ ને એક વાર વેચતા થતી કમાણી કરતા વધુ હોવાથી સમય જતા વૃક્ષો કપાતા બંધ થયા અને વનવિભાગ વન્યસૃષ્ટી નું સંરક્ષણ કરવા માં સફળ રહ્યું  છે.

જંગલમાં જમીન પર કરોળિયાના વિરાટ ઝાળા જોયા.આ ઝાળા સામાન્ય ઝાળા કરતા વધારે ઘટ્ટ અને દેખાવે રૂ જેવા હતા. ઝાળા પર મોતી જેવા ઝાકળબીન્દુઓનું આવરણ પથરાયેલું હતું કારણે 
તે દૂરથી સફેદ રૂ જેવા દેખાતા હતા. એક વૃક્ષ ના કપાયેલા થડ માં અસંખ્ય ઉધાઈઓ ખદબદી રહી હતી. 

બાળકો માટે વિવિધ પ્રકાર ના ફૂલો ને ભેગા કરવાની હરીફાઈ રાખેલી એટલે તેઓ જમીન પર પડેલા ફૂલો એકઠા કરવા માં મશગુલ હતા. ફક્ત જમીન પર ખરી પડેલા ફૂલો ને જ એકઠા કરવાની પરવાનગી હતી. ડાળ પરથી ફૂલો તોડવાની રજા ન હતી. જોતજોતામાં બાળકોએ અચંબો પામી જવાય તેટલી સંખ્યા માં વિવિધ પ્રકાર ના ફૂલો એકઠા કર્યા.

જંગલ માં સાપ કે તેના જેવા જીવો નો ભેટો થઇ શકે છે અને એવું થાય તો તેમને છંછેડવા નહિ તેવું અમને કહેવામાં આવ્યું હતું. આ તેમનું ઘર છે અને અમે મહેમાન છીએ તે વાત યાદ રાખવાનું કહેવામાં આવ્યું હતું. અમે કહ્યા વગર પણ તેમને છંછેડત નહિ પણ તેઓ અમને છંછેડે તો અમારે શું કરવું તેની કોઈ સુચના અપાઈ ન હતી. અમારા સદનસીબે એવા કોઈ ઝેરી યજમાન નો ભેટો થયો નહિ.

શહેર ના રહેવાશીઓ ની નજરે જંગલ ની અજાયબીઓ નિહાળતા આમે ટાપુ ની પાછલી તરફ પહોચ્યા. અહી પાણીમાં વિશિષ્ટ પ્રકારે ઉભા વાસડા ની વચ્ચે જાળ પાથરી રાખેલ. બહુ ધ્યાનપૂર્વક જોવા છતાં માછલીઓ પકડવાની આ અટપટી લગતી રીત સમજાઇ નહિ, જે છેલ્લે દિવસે સમજાઇ. દ્વીપનો વર્તુળાકારે આંટો મારી પાછા આવ્યા.

જાન્યુઆરી મહિનામાં કલકત્તાથી નીકળ્યા ત્યારે ગુલાબી ઠંડી હતી માટે ગરમ કપડા વગેરે સાથે લાવેલ પણ અહીં ગરમી હતી. તંબુની અંદર ઉકળાટ થતો હતો અને બહાર હવા તદ્દન નદારદ હતી. વીજળી-પંખા વગર આવી ગરમી માં કેવી રીતે રહી શકાશે તેની ચિંતા માં હતા ત્યાં અચાનક જોશભેર પવન વીંઝાવા માંડ્યો. તંબુ નો કપડાનો દરવાજો જોશભેર ફફડવા માંડ્યો. પૂછતાં જણાયું કે અહી દિવસ માં બે-ત્રણ વખત આવું બને. ક્યારેક કલાકો સુધી પવન ગતીપુર્વક ફૂંકાય અને ક્યારેક જરાય પવન ન હોય.

બપોરે જમ્યા બાદ તંબુ ની બહાર એક વૃક્ષ ને છાંયડે ખાટલો નાખી થોડી ઊંઘ ખેચી કાઢી. સાંજે બોટ દ્વારા હનીમુન આઈલેન્ડ જેવું રંગીન નામ ધરાવતા ટાપુ પર સુર્યાસ્ત નિહાળવા પહોચ્યા. અહી વર્ષો પહેલા એક નવાબે પોતાના માટે નહાવાનો મોટો કુંડ બનાવેલો. તે વર્તમાનમાં ગંદા પાણીથી ભરાયેલો હતો.

હનીમુન આઈલેન્ડ પહોચ્યા ત્યારે આકાશ રૂ ના ગોટા જેવા શ્વેત વાદળોથી છવાયેલું હતું અને સુરજ વાદળો પાછળ સંતાયેલ હતો. દૂર ક્ષિતિજ પાસે આકાશ લાલાશ પકડી રહ્યું હતું. અમે ધેર્ય પૂર્વક સૂર્યદર્શન માટે વાટ જોઈ રહ્યા હતા, પરંતુ સૂર્યદેવતાએ અમારા જેવા તુચ્છ માનવીઓના આનંદ માટે વાદળની ઓટમાંથી બહાર આવવાની તસ્દી ન લીધી.

આકાશ હળવાશ થી કેસરી રંગ ધારણ કરી રહ્યું હતું અને સાથે સરોવર નું પાણી પણ લાલાશ પકડી રહ્યું હતું. આકાશ અને પાણી બંને સમાન રંગે રંગાઈ ને એકાકાર થઇ રહ્યા હોય તેવો આભાસ થઇ રહ્યો હતો.તેમની વચ્ચે ઉભેલી નાની ટેકરીઓ જાણે તેમને એક બીજામાં ભળી જતા રોકવાનો મિથ્યા પ્રયાસ કરી રહી હતી. અદભૂત દૃશ્ય હતું.

                         બીજો ભાગ વાંચવા અહી ક્લિક કરો (દ્રિતીય ભાગ)


By: Jasmin Rupani


                                                           Protected by Copyscape Original Content Checker

No comments:

Post a Comment