Friday 3 August 2012

સાથે જમે તે સાથે રહે



યાદ છે એ દિવસો, જયારે જમવાનો સમય ફક્ત પેટ ભરી ને વાનગીઓ આરોગવા નો જ નહિ, મન ભરી ને વાતો કરવા નો પણ રહેતો? જયારે રોટલી અને શાક સાથે અનુભવ થી પકવેલી શીખ  પણ પીરસતી? ગરમા ગરમ દાળ-ભાત સાથે આખા દિવસ માં બનેલી ઘટનાઓ નો સાર પણ પીરસાતો?

આજે આપણે સહપરિવાર સાથે જમવાના તે જાદુ ને વિસરી ચુક્યા છીએ. પિતા પોતાના રૂમ માં ટીવી પર ક્રિકેટ મેચ કે સમાચાર જોતા જમે છે, માં બીજા ઓરડા માં ફોન પર વાત કરતા કે ટીવી પર સીરીયલ જોતા જમે છે અને બાળકો આઈ-પોડ કાને વળગાળી સંગીત સંભાળતા કે પછી કોમ્પ્યુટર પર ગેમ્સ રમતા જમે છે. પરિણામે સાથે બેસીને જમવું તે જુનવાણી પ્રથા બની ગઈ છે. એવી પ્રથા જેનું ધીમે ધીમે મરણ થઇ રહ્યું છે. 

વર્તમાન સમય માં મોટા ભાગ ના માણસો સબંધો માં જીવે છે ખરા, પરંતુ એ સબંધો ઉપરછલ્લા, તકલાદી, અને સ્વાર્થી બનવા લાગ્યા છે. પરિવાર માં આજે વિવિધ સબંધો કાગળ ના ફૂલ જેવા બની ગયા છે જે દેખાવે સુંદર લાગે પણ તેમાં સુગંધ નદારદ હોય. સહપરિવાર ભોજન આરોગવાનો મૂળ હેતુ આ નબળા થઇ રહેલા સ્નેહ્સબંધ ને મજબૂત કરવાનો છે.
આજ ના જેટ યુગ માં આખા પરિવાર માટે સાથે બેસીને જમવાનો સમય કાઢવો તે કપરું કાર્ય છે, પરંતુ કોશિશ કરીને તે માટે નિયમિત સમય ફાળવવામાં આવે તો તેના અનેક ફાયદા છે. સહપરિવાર જમણ એક બીજા પ્રત્યેની ઉષ્મા અને પ્રેમ વધારે  છે અને પોતીકાપણા  નો અનુભવ કરાવે છે. સાથે બેસીને જમવું તે એક પ્રકાર નું વેક્સીન છે જે બાળકો ના જીવન માં આવનારી નાની મોટી મુશ્કેલીઓ સામે આગોતરી સુરક્ષા પ્રદાન કરે છે. 

જમતી વખતે નો વાર્તાલાપ પરિવાર ના નાના સદસ્યો ને મોટા પાસે થી ઘણું બધું શીખવાની બહુમૂલ્ય તક આપે છે. એકબીજા સાથે નો મનમેળ વધારવાની તક આપે છે. સાથે વિતાવેલો થોડોક પણ બહુમૂલ્ય સમય સદસ્યો ને આખા દિવસ માં બનેલી ઘટનાઓ એકબીજા સાથે ચર્ચવા નો મોકો આપે છે. આ ચર્ચા વિચારણા માં થી બાળકો વાર્તાલાપ કેવી રીતે આગળ વધારવો, નાની મોટી મુશ્કેલી ઓ નો સામનો કેવી રીતે કરવો તે જાણતા અજાણતા શીખે છે. બીજા ના મંતવ્ય ને માન આપતા અને બીજા ના ગમા-અણગમા પ્રત્યે સભાન રહેતા શીખે છે. બાળકો માં આહાર ની સારી આદતો કેળવાય છે. આપણા માં માન્યતા છે કે ટીનએજર્સ ને પોતાના પરિવાર સાથે રહેવું ગમતું નથી, તેમને તેમના મિત્રો સાથેજ વધુ ફાવે છે. તે જરા વધુ પડતું છે. ટીનએજર્સ ને પણ પરિવાર ની ઓથ ની જરૂર હોય  છે. જમતી વખતે સાથે વિતાવેલો સમય તેમની આ જરૂરિયાત ને પૂરી કરે છે. 

જાણીતા અંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઈમ્સ ના એક રીપોર્ટ પ્રમાણે જે પરિવાર નિયમિત સાથે જમે છે તેના બાળકો ની ધુમ્રપાનદારૂ અને ડ્રગ્સ ની લતે ચડવા ની શક્યતા નજીવી થઇ જાય છેડીપ્રેશન માં આવવાની શક્યતા પણ ઘટી જાય છે. કોલમ્બિયા યુનીવર્સીટી નું એક સર્વેક્ષણ બહુજ રસપ્રદ વાત જણાવે છે. જે બાળકો નો પરિવાર સાથે જમે છે તે બાળકો નું પરીક્ષા નું પરિણામ બીજા બાળકો કરતા સારું આવાની શક્યતા ચાલીશ ટકા જેટલી વધી જાય છે. 

પરિવાર ની સાથે જમવું તે સમગ્ર દિવસ ની સૌથી મહત્વપૂર્ણ ઘટના બની શકે છે. તે માટે કેટલીક વાતો ધ્યાન માં રાખવી જરૂરી છે. વાર્તાલાપ હળવો અને રમુજી હોવો જોઈએ. બની શકે ત્યાં સુધી તેમાં શિખામણો, ફરિયાદ અને કડવી વાતો નો શમાવેશ ન થવો જોઈએ. સાથે વિતાવેલો સમય આનંદદાયક હોવો જોઈએ. નાના માં નાના સદસ્ય ને પોતાની વાત કહેવા નો મોકો મળવો જોઈએ. સૌથી મહત્વપૂર્ણ વાત, જમણ માં વાનગીઓ કરતા વ્યક્તિઓ ને વધારે મહત્વ અપાવું જોઈએ.  

By: Jasmin Rupani



                                                           Protected by Copyscape Original Content Checker

2 comments:

  1. very very nice. Better we try not to be hypocritic. To write dahi vato may be good but to practice it in real life is very very difficult

    ReplyDelete
    Replies
    1. Dear Sir/Madam, In my view, there is nothing hypocritical about eating together few times in a week and it is not very very difficult to practice in real life. Anyway, thank you for your comment.

      Delete