Thursday, 18 October 2012

કલકત્તા નો અભૂતપૂર્વ દુર્ગોત્સવખું વરસ કલકત્તાવાસીઓ શહેર ની ગરમ આબોહવા, ધૂળ, ઘોંઘાટ, ગીર્દી, ગંદકી વગેરે બાબત ફરિયાદ કરતા હોય છે પરંતુ મા દુર્ગા ના આગમન સાથે આ વલણ માં સંપૂર્ણ બદલાવ આવી જાય છે. આ સમયે શહેર સોળે શણગાર સજેલી લાવણ્યમય રૂપવતી જેવું રૂપ ધારણ કરી લે છે. વાતાવરણ માં હળવી ઠંડક શરદઋતુ ના આગમન ની એંધાણી કરે છે અને બંગાળ ના સહુથી પ્રચલ્લિત તહેવાર દુર્ગા પૂજા નું આગમન થાય છે. 
દુર્ગા પૂજા દરેક બંગાળી માટે બહુ મોટું મહત્વ ધરાવે છે. દેશ અને વિદેશ ના બંગાળીઓ હજારો ની સંખ્યા માં આ તહેવાર ને માણવા કલકત્તા માં ઉમટી પડે છે. કલકત્તા ના બિન-બંગાળીઓ પણ એટલાજ આનંદપૂર્વક આ તહેવાર માણે છે. 


આ તહેવાર ને બંગાળીઓ દુર્ગાપૂજા અથવા દુર્ગોત્સવ તરીકે સંબોધે છે. આમ તો દુર્ગાપૂજાની શરૂઆત મહાલયાની(અમાસ) સાથે જ થઈ જાય છે, પરંતુ તેની વિધિવત્ પૂજા નવરાત્રિના પાંચમા દિવસથી બંગાળ અને તેની આજુબાજુના પ્રાંતો બિહાર, ઝારખંડ, અસમ, ત્રિપુરા અને ઓરિસ્સામાં કરવામાં આવે છે. મા દુર્ગાની મૂર્તિની પંડાલોમાં (મંડપ માં) સ્થાપના કરી તેની વિધિવત્ પૂજા કરવામાં આવે છે. વિજયાદશમીના દિવસે મૂર્તિર્નું વિસર્જન કરી પર્વની સમાપ્તિ કરવામાં આવે છે. 

વાતાવરણ માં ગુંજી ઉઠતા મંત્રોચ્ચાર, ઢાક (ઢોલ નો એક પ્રકાર) નો તાલબદ્ધ અવાજ, હવા માં પ્રસરી રહેલી ધૂપ ની સુવાસ અને શીઉલી (પારીજાત) ફૂલ ની મદમસ્ત સુગંધ મન મિજાજ ને કોઈ અલૌકિક પ્રદેશ માં લઇ જાય છે ઝીણી રંગબેરંગી બત્તીઓ થી શોભી ઉઠેલા સમસ્ત શહેર ની ગલીઓ માં લોકો કીડીયારા ની જેમ ઉભરાઈ વળે છે. નવા નક્કોર રંગ બેરંગી વસ્ત્રો માં સજ્જ લાખો ની મેદની અને રેકડીઓ માં વિવિધ પ્રકાર ની ખાણી પીણી વેચતા ફેરિયાઓ શહેર ને એક વિરાટ મેળાવડા માં પરિવર્તિત કરી દે છે. 

દુર્ગા પૂજા ના સાત દિવસ પહેલા મહાલયા ના પ્રભાતે રેડીઓ માધ્યમે ગુંજી ઉઠતા 'મહિસાસુર મર્દની' ચંડીપાઠ ના મંત્રોચ્ચાર થી ચડવા માંડેલો હર્ષોઉલ્લાસ નો કેફ નવરાત્રી ના સાતમાં, આઠમાં અને નવમા દિવસ (સપ્તોમી,અષ્ટોમી,નોબોમી) સુધી ચરમસીમાએ પહોચે છે. આ ત્રણ દિવસ ટ્રામ, બસ, ગાડી દ્વારા અથવા પગપાળા ફરતા લોકો એક મેક થી ચડિયાતી અવનવી પૂજા નિહાળવા અને માતાના દર્શન કરવા આખી રાત 'પંડાલ-હોપીંગ' કરતાં રહે છે. 
માત્ર કલકત્તા માં જ વિવિધ વિસ્તારો માં નાની મોટી હજારો ની સંખ્યા માં દુર્ગા પૂજા થાય છે. દરેક પૂજા ની કમિટીઓ વચ્ચે બીજા કરતા વધુ સર્જનાત્મક અને કલાત્મક પંડાલ અને પ્રતિમાઓ માટે ની હોડ ચાલતી હોય છે. પૂજા નું બજેટ હજોરો થી લઇ ને લાખો સુધી પહોચતું હોય છે તે માટે ના નાણા ફંડફાળો ઉઘરાવી અથવા કોર્પોરેટ સ્પોન્સોરશીપ મેળવી પુરા પડાય છે. 


પૂજા ના પંડાલ અને મૂર્તિ તથા તેની થીમ ની રૂપરેખા માટેની પૂર્વતૈયારી મહિનાઓ પહેલેથી થવા માંડે છે. પંડાલ માટે કાપડ, લાકડા, વાંસ, કાગળ, કાંચ ની બોતલો અને ઘડા જેવા વિવિધ પદાર્થો નો અને ઘણી વખત દીવાસળીઓ જેવી કલ્પી ન શકાય તેવી વસ્તુઓ નો કલાત્મક રૂપે ઉપયોગ કરવા માં આવે છે. શ્રેષ્ઠ પંડાલ માટે હરીફાઈ પણ યોજવામાં આવે છે. દુર્ગા અને તેના સંતાનો- કાર્તિક, ગણેશ, સરસ્વતી, લક્ષ્મી તથા મહિસાસુર ની પ્રતિમાઓ મુખ્યત્વે કલકત્તા ના ઉત્તરીય વિસ્તાર માં આવેલા કુમારટોલી અને બીજા વિસ્તારોમાં બનાવવામાં આવે છે. આ અદભૂત કલાત્મક પ્રતિમાઓ નું સર્જન સમગ્ર વર્ષ દરમ્યાન ચાલતું રહે છે.આજકાલ, ચિત્રકલા અને શિલ્પકલા ના ક્ષેત્ર ના નામાંકિત કલાકારો પણ આ રચનાત્મક કાર્ય માં જોડાયા છે. 

No comments:

Post a Comment