Thursday, 16 August 2012

ચિલિકા સરોવર: એક અજાયબી ( ભાગ ૩ )


પહેલો ભાગ વાંચવા અહી ક્લિક કરો (પ્રથમ ભાગ)
બીજો ભાગ વાંચવા અહી કિલક કરો (દ્રિતીય ભાગ) 


રાત્રે ઝરમર વરસાદ પડેલો તેનો લાભ લઇ અમે લીલા વરસાદ ને ભીના હ્રદય થી માણતા થોડું ભીંજાયા હતા. ત્રીજે દિવસ ના પ્રભાત નું આગમન થયું ત્યારે આકાશ કાળા  ડીબાંગ વાદળો થી છવાયેલું હતું.  શીતલ પવન મંદ ગતિએ વાઈ રહ્યો હતો અને વાતાવરણ માં ફૂલ ગુલાબી ઠંડક પ્રસરેલી હતી.નજર સમક્ષ મંત્રમુગ્ધ થઇ જવાય તેવું દ્રશ્ય હતું.

કોઈ ચિત્રકારે સુંદર દ્રશ્ય દોરી રંગ ખૂટી જતા તેમાં ફક્ત બે જ રંગ પૂર્યા હોય  તેવું એક વિશાળ કુદરતી ચિત્ર નજર સમક્ષ ઉભું થયું હતું. આછા લીલા રંગનું તળાવ, રાખોડી રંગ ની ટેકરીઓ અને સમાનરંગી વાદળો થી પૂર્ણ રૂપે ઢંકાયેલું આકાશ. અહોભાવ પમાડે તેવું આ અલૌકિક દ્રશ્ય મન ને અપાર શાંતિ અર્પી રહ્યું હતું, પરંતુ અમારી મનોદશા થી તદ્દન વીપરીત ચિલિકા સરોવરનું સામન્યતય શાંત જળ અશાંતપણે ખળભળી રહ્યું હતું.

ચિલિકા સરોવર ને બંગાળ ના ઉપસાગર થી એક ત્રીસ કી.મી. લાંબો રેતીનો પટ્ટો અલગ પડે છે. તેના પર તદ્દન સ્વચ્છ અને નિર્જન દરિયા કિનારો છે, જે સ્વાભાવિક રીતે પર્યટકો માં બહુ ઓછો જાણીતો છે. અમારી આજની મંજિલ આ બીચ હતી. ખરાબ હવામાન ને કારણે બીચ પર જવા માટે અમે એક કલાક મોડા નીકળ્યા. 

સાનોકુડા ટાપુ થી આ બીચ સુધી જળ મુસાફરી ની અવધી એક કલાક ની હતી. દસેક મિનીટ ના પ્રવાસ બાદ અમારી હોડી હડસેલા લેવા માંડી. આ સમયે ચિલિકા સરોવરે પોતાનું સૌમ્ય રૂપ ત્યજી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંગાળ નો ઉપસાગર તોફાને ચડ્યો હતો અને તેની અસર અહી ચિલિકા સરોવર સુધી વર્તાઈ રહી હતી. સામાન્ય રીતે શાંત રહેતી સરોવર ની જળ સપાટી પર આજે નાના મોજા દેખાઈ રહ્યા હતા અને અમારી બોટ તેના પર ઉછળી રહી હતી. સરોવરનું પાણી ઉછળીને અમને હોડીની અંદર છાલક મારી રહ્યું હતું. બધા પગ થી માથા સુધી પલળી ગયા. હવા પુરપાટ ફૂંકાઈ રહી હતી અને સુરજ નદારદ હોવાને કારણે અંધકાર છવાઈ ગયો હતો.

ક્યારેક નૌકા એટલી જોશ ભેર ઉછળતી કે ઉથલીને બહાર પાણીમાં પડી જવાશે તેવો ભય લાગતો હતો. પેટ ચૂંથાઈ રહ્યું હતું અને મનમાં સતત ગભરામણ થઇ રહી હતી. એવામાં અમારા સહપ્રવાસી બે-ત્રણ બહેનો એ ગભરાઈને રાડારાડ શરુ કરી અને બોટ ને પાછી વાળવાની માંગણી કરી. સદભાગ્યે અમારા નૌકાચાલકે તેમની વાત પર ધ્યાન આપ્યું નહિ અને ઉછળતી કુદતી અમારી બોટ ને આગળ ધપાવતો રહ્યો. કદાચ તેમના માટે આ સામાન્ય બાબત હશે. 

અડધા કલાક સુધી આમ ચાલ્યું. ત્યારબાદ મુસાફરી છીછરા પાણીમાં હતી. પાણીની અંદર ઉગેલી સેવાળ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અહી ચોતરફ પાણીની મધ્યે ઉભા વાંસ રોપીને તેની વચ્ચે જાળ બાંધી માછલીઓ પકડવાની કોશિશ થઇ રહી હતી. સ્વયચલિત બોટ નું પ્રોપેલર જાળ માં ન ફસાઈ જાય તે માટે તેને આ વાંસડા ની વચ્ચેથી બહુજ નિપુણતાપૂર્વક  હંકારવી પડતી હતી. 

આખરે પાણી માત્ર ત્રણ ફૂટ જેટલું જ ઊંડું રહ્યું અને હોડી વધુ આગળ વધવાની સ્થિતિ માં ન રહી. છેવટે નૌકા ચાલક ની સાથે પાણીમાં ભૂસકો મારીને બોટને ધક્કો મારવો પડ્યો. જમીન પર ગાડીને ધક્કો ક્યારેક માર્યો છે પણ પાણીમાં ઉતરીને બોટને ધક્કો મારવાનો અનુભવ પહેલી વખત થયો ! સેવાળ થી ભરપુર તળિયા પર ઉઘાડા પગે ચાલતા અજીબ પ્રકારની અનુભૂતિ થઇ. બોટને ધક્કો મારી માંડ કિનારા ભેગી કરી. 

કિનારાથી ત્રણ કી.મી. ચાલતા જંગલની અંદર  પસાર થવાનું  હતું. જાતજાતના ઝાડ-પાન અને ફૂલોથી છવાયેલો લીલોછમ વિસ્તાર મનને પ્રફૂલ્લિત કરી દે તેવો હતો. બોટમાં ભોગવેલી હાડમારી પળભર માં  વિસરાઈ ગઈ. પ્રકૃતિના સાનિધ્ય માં બીચ સુધીનો ત્રણ કી.મી. નો રસ્તો સહજતાથી કપાઈ ગયો. બીચ પર પહોચ્યા ત્યાં સુધીમાં મોસમ તદ્દન બદલાઈ ગઈ હતી. સૂર્ય પૂરી શક્તિ થી તાપ વરસાવી રહ્યો હતો સમગ્ર બીચ નિર્જન હતો. પ્રદુષણરહિત સ્વચ્છ કિનારો અને નિર્મળ જળ. એક કલાક આનંદપૂર્વક નહાયા. 

સુધરેલા હવામાન ને કારણે પાછા ફરતી વખતે બહુ તકલીફ ન પડી. સાંજે ફરી વરસાદ પડવા માંડ્યો એટલે ફરવા જવાનું રદ કર્યું. વરસાદ બંધ થયા બાદ ટાપુ પર ફરી ને ઝાડની ખરી પડેલી સુક્કી ડાળો ભેગી કરી અને કિનારા પાસે કેમ્પફાયર નું આયોજન કર્યું. નકામી ડાળખીઓને આગ ચાપી તેની ફરતે કુંડાળું કરી બેઠા જુના-નવા ગીતો ગાતા અને ગપ્પા મારતા અમે મોજ પૂર્વક સાંજ વિતાવી.

આખી રાત ઝરમર વરસાદ વરસતો રહ્યો. ચોથા દિવસ ની સવારે હું  અમારા ટાપુને કિનારે એક પથ્થર પર બેઠો સરોવર ના બદલાતા રંગ-રૂપ માણી  રહ્યો હતો તે સમયે બે માછીમારો તેમની નાની અને સાવ સાદી એવી લાકડાની નૌકા તૈયાર કરી રહ્યા હતા. દૂર પાણીમાં વાંસ રોપીને તેમની વચ્ચે જાળ બાંધીને પાણીનો એક વિસ્તાર ઘેરી રાખવા માં આવ્યો હતો. અહી આવ્યા ત્યારથી માછલી પકડવાની આ રીત વિષે મને અતિશય કુતુહલ થઇ રહ્યું હતું, માટે માછીમારો પાસે આ બાબતે ખુલાસો માંગ્યો. ભાષાની તકલીફ હોવાને કારણે તેઓ મને બરાબર સમજાવી શક્યા નહિ, પરંતુ એવજ માં તેમની સાથે હોડીમાં બેસીને તે પ્રક્રિયા નિહાળવાનું આમંત્રણ મળ્યું. આ બાબત મારું કુતુહલ પરાકાષ્ઠા એ પહોચ્યું હતું એટલે માછલીઓ પ્રત્યેની સુગ તથા તેમની ખખડધજ નૌકા પ્રત્યેના મારા ભય ને ત્યજી તેમની સાથે રવાના થયો. 

વાંસડા ની નજીક પહોચતા તેમની રીત મને સમજાવા માંડી. તેમણે દસ-બાર ફૂટ ઊંડા પાણીમાં તેટલીજ ઉંચાઈના વાંસ ને સરોવરના તળિયાની કુણી માટીમાં બે-ત્રણ ફૂટ ના અંતરે રોપી રાખ્યા હતા. દરેક વાંસ ની વચ્ચે તળિયાથી સપાટી સુધી જાળ બાંધીને પાણીની અંદર એક લાંબી દીવાલ ઉભી કરી હતી. આમ, પાણીની અંદર તરતા માછલાઓના રસ્તામાં અવરોધ ઉભો કર્યો હતો. માછલીઓને આગળ વધવાનો રસ્તો ન મળતા તે દિશા બદલીને દીવાલ ની લગોલગ આગળ વધે. આખરે દીવાલ માં દરવાજો મળતા તેમાં પ્રવેશ કરે.

તે દરવાજા ના મુખ પર ચાર વાંસ ની વચ્ચે જાળ બાંધીને ચોરસ પાંજરું બનાવેલું હતું. તેમાં ઉંદર ને પકડવા માટે વપરાતા પાંજરા જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. માછલીઓ અંદર પ્રવેશી શકે પરંતુ બહાર ન નીકળી શકે. આવા પાચ-છ પાંજરા થોડા અંતરે ગોઠવેલા હતા. માછીમારો આવી વ્યવસ્થા કરી ચાલી જાય અને એક-બે દિવસ બાદ આવી પાંજરાઓ માંથી માછલી કાઢી લે. 

આ ચાર દિવસો માં બનેલી ઘટનાઓ અને દ્રશ્યો દિમાગ પર અમીટ છાપ છોડી ગયા છે. સુર્યાસ્ત સમયે રેલાયેલા રંગો, સૂર્યોદય વખત નું અલૌકિક દ્રશ્ય, લીલા અને રાખોડી રંગ નું અદભૂત કુદરતી ચિત્ર, હારબંધ ઉડીને હોડી ને જગા કરી આપતા પંખીઓ, પાણીમાં ભૂસકો મારીને બોટ ને ધક્કો મારવો, નલબન ટાપુ પર નરમ-ચીકણી માટીમાં ફસાઈ જવું...... વગેરે દ્રશ્યો અને ઘટનાઓ હૃદયમાં અંકાઈ ગયા છે. 

ચાર દિવસ રેડીઓટી.વીફોન અને છાપા વગર બહારની દુનિયાથી અજાણ ચિલિકા સરોવર ની અજાયબીઓ માં ખોવાયેલા રહ્યા. દુનિયામાં શું બની રહ્યું છે તેની રત્તીભર જાણ  ન હતી. સહુથી નજીક ની હોસ્પિટલ ૩૦ કી.મી. દૂર હતી. અનિવાર્ય સંજોગો અને ઓછા સમયને કારણે ચિલિકા માં ઘણું જોવાનું અને માણવાનું રહી ગયું. લગભગ એક હજાર એકસો ચોરસ કી.મી. ની આ અજાયબીને સમજવા-માણવા માટે ચાર દિવસો તદ્દન અપુરતા છે. 
                                                             (સંપૂર્ણ)
By Jasmin Rupani                                                  Protected by Copyscape Original Content Checker

No comments:

Post a Comment